Published By : Patel Shital
રાજકારણમાં અશક્ય કશુ જ નથી. જેમકે હાલમાં જ ભ્રષ્ટાચારના આરોપોમાં જેલના હવાલે થયેલા દિલ્હીના આમ આદમી પાર્ટીના પુર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ભાજપના એક ટોચના નેતાએ તરફેણ કરી છે. ભાજપના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાની પડખે રહ્યા છે ભાજપના આ નેતાએ જણાવ્યું કે લાગે છે પાર્ટી માટે તેઓ ફંડ એકઠું કરવામાં ફસાઇ ગયા.
દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લીકર કૌભાંડ મામલે CBI દ્વારા ધરપકડ કરાવા અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે વિવાદિત નિવેદન કરી સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા એક ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. તેમણે એક ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે મનીષ સિસોદિયા સાફ છબી ધરાવતા શાનદાર કામ કરનારા ઉપ મુખ્યમંત્રી તરીકે પ્રસિદ્ધ થયા છે પણ તેમને જેલમાં કેદ કરી લેવાયા છે. શાંતા કુમારે લખ્યું કે બંને તરફથી આરોપ-પ્રત્યારોપ લાગી રહ્યા છે. એ વિચારવું મુશ્કેલ છે કે કોઈ ગુના વિના CBI એ સિસોદિયાને જેલમાં પૂરી દીધા. શાંતા કુમારે કહ્યું કે સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરી છે અને તેમ છતાં તે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં ગયા છે. તેનાથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે સદાચારના સ્ટેશનથી ચાલતી ગાડી હવે ભ્રષ્ટાચારના સ્ટેશન સુધી પહોંચી રહી છે. આટલું જ નહીં તેમણે કહ્યું કે મારા અંગત અનુભવ પ્રમાણે મનીષ સિસોદિયા ઈમાનદાર વ્યક્તિ છે પણ પાર્ટી અને ચૂંટણી માટે ફંડ એકઠું કરવા માટે તેમણે આ બધુ કર્યું હશે. તેમણે કહ્યું કે જો આ સત્ય છે તો દેશ ને ગંભીરતાથી અમુક નિર્ણયો કરવા પડશે.