Published by : Rana Kajal
વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ગયો છે ત્યારે ચૂંટણીપંચે જાહેર કરેલી વિગતો પ્રમાણે આ વખતે રાજ્યમાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે અને યુવા મતદારોને આકર્ષવા માટે વિવિધ રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોમાં વધુમાં વધુ યુવા નેતાઓને સ્ટાર પ્રચારકો તરીકે ઉતાર્યા છે. તો ચૂંટણીપંચે મતદારોની જે યાદી જાહેર કરી છે તે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. તેમાં 18 થી 19 વર્ષની વય જૂથના 4.61 લાખથી વધુ મતદાર ઉમેરાયા છે અને જે પૈકી રાજ્યમાં 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો યુવા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે, જેથી યુવા મતદારોને આકર્ષી શકાય.