Published By : Parul Patel
- છેલ્લા એક મહિનામાં રાજકોટમાં 2 વિદ્યાર્થીઓના હૃદયમાં ખામી સર્જાતા મોત…
- તબીબો પણ ચિંતામાં, જણાવ્યુ ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ….
રાજકોટમાં હૃદયમાં ખામીના કારણે નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે. તબીબો પણ જણાવી રહ્યા છે કે આવા કેસો ભાગ્યેજ બનતા હોય છે. રીબડા ગામે ધોરણ 10ના વિદ્યાર્થીના મૃત્યુ બાદ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થીનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. જે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા તેમાં હૃદયમાં ખામીઓ હોવાનું તારણ સામે આવ્યું છે. ગુરુપૂર્ણિમાના દિવસે રીબડાના ગુરુકુળમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યા બાદ રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉ.વ.17)નું મૃત્યુ પણ હૃદયમાં ખામીના કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે. તબીબોએ વિદ્યાર્થીના હૃદયની એક દીવાલ પાતળી અને બીજી દીવાલ જાડી હોવાની પણ વાત કરી છે. સાથે જ ડોક્ટરોએ આ ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ હોવાનું જણાવ્યું છે. નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે.
રાજકોટમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડતા શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉવ.17)ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે મુદીતને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દિકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુદિત ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં એકમ કસોટી હતી. મુદિતને એક બે દિવસથી માત્ર શરદી ખાંસીની તકલીફ હતી. પાંચ પિરિયડ પૂર્ણ થયા બાદ રિસેસમાં તે પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો તે સમય દરમ્યાન અચાનક જ તે ઢળી પડ્યો હતો. જે બાદ સ્કૂલના ક્લાસ ટીચર દ્વારા મુદિતને CPR જેવી બેઝિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ આવતા તુરંત જ મુદિતને 108 મારફતે હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજાય તે પહેલા ધોરણ 10માં અભ્યાસ કરતો મૂળ ધોરાજીનો દેવાંશ ભાયાણી અચાનક બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને નાનપણથી હૃદયનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.