Published by : Vanshika Gor
હવામાન વિભાગ દ્વારા ફરીથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઇ સૌરાષ્ટ્રમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહીને પગલે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે પરંતુ જો ફરીથી કમોસમી વરસાદ પડે તો કેરીનો પાકને નુકસાન થઇ શકે છે. પાક ખરી જતો હોય છે. સૌરાષ્ટ્રમાં સવારથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. ખાસ કરી તલ, મગ, અડદ સહિતના પાકો હાલ ખેડૂતોએ વાવ્યા હોય છે. જો વરસાદ થાય તો સંપૂર્ણ રીતે તેઓનો પાક ફેલ થઈ જાય તેવી રીતે જોવાય રહી છે.
રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને છુટો વરસાદ પણ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે, કે પહેલા ટોકન લઈને જ પોતાનો માલ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને આવો જેથી વરસાદમાં પોતાનો માલ પલડે નહીં કે નુકસાન ન થાય તે માટે અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી છે. તો અમુક યાર્ડએ તો અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.