Published by : Anu Shukla
જૂનાગઢના ખેતલીયા આશ્રમના મહંત રાજભારતી બાપુની આત્મહત્યાના મામલામાં રાજભારતીના ગુરુજી અખંડાનંદ ભારતીએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ગુરુ અખંડાનંદ ભારતીએ આક્ષેપ કર્યો છે કે રાજભારતી સાથે હનીટ્રેપ થઇ હતી ,જેને કારણે તેમને આત્મહત્યા કરવી પડી. મહત્વપૂર્ણ છે કે મહંત રાજભારતીએ અખંડાનંદ પાસેથી દીક્ષા લીધી હતી, અખંડાનંદ જૂના અખાડાના સાધુ છે , પરંતુ ઘણા સમયથી તેઓ મુક્તાનંદ બાપુની નિશ્રામાં રહેતા હતા,જે અગ્નિ અખાડાના અધ્યક્ષ છે.
વિટંબણાનો અંત આવ્યા બાદ અપાઇ સમાધિ
રાજભારતીના સરકારી ડોક્યુમેન્ટમાં તેમના ગુરૂ તરીકે મુક્તાનંદ બાપુનું નામ હતું જેથી અખાડાની પરંપરા મુજબ અંતિમવિધિ માટે વિટંબણા હતી પરંતુ સાધુ સંતોની બેઠકમાં આ વિટંબણાનો અંત આવ્યો હતો અને રાજભારતીને સમાધિ આપવામાં આવી હતી. ગિરનાર મંડળના સાધુ સંતો, પદાધિકારીઓ અને સેવકગણોની ઉપસ્થિતિમાં મહંત રાજભારતીને સમાધિ આપવામાં આવી.
પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી
જૂનાગઢ નજીકના ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલીયા આશ્રમ સાથે જૂનાગઢ નજીકના જ ખડીયા ગામે રાજભારતીનો આશ્રમ આવેલો છે અને ખડીયા ખાતે રાજભારતીએ પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.