Published By : Patel Shital
- ભરૂચ સહિત કુલ 87 રેલ્વે સ્ટેશનોનો સમાવેશ કરાયો…
દેશમાં રેલ્વે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. રોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે રેલ્વે તંત્ર દ્વારા રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવા ખાસ યોજના ઘડવામાં આવી છે જેમાં ગુજરાતના ભરૂચ સહિત 87 રેલ્વે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય રેલ્વેએ દેશના કુલ 1275 રેલ્વે સ્ટેશનોની કાયાપલટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રેલ્વે સ્ટેશનોના વિકાસ માટે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, લાંબા ગાળાની વિચારસરણી સાથે રોજના ધોરણે રેલ્વે સ્ટેશનોના વિકાસની કલ્પના કરવામાં આવી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે તાજેતરમાં શરૂ કરાયેલી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ દેશમાં 1275 સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના 149, મહારાષ્ટ્રના 123, પશ્ચિમ બંગાળના 94 અને ગુજરાતના 87 સ્ટેશનોને આધુનિક કરવામાં આવશે.
આ યોજના રેલ્વે સ્ટેશનોના આધુનિકરણ માટે શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ તેમજ એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશનને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને છેડેથી પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગો માટે વધુ સારી સુવિધા, બેલાસ્ટલેસ ટ્રેક અને રૂફ પ્લાઝા તેમજ અન્ય આધુનિક સગવડનો પણ સમાવેશ કરવામાં આવશે.
ગુજરાતમાં કુલ 87 રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવશે. આ સ્ટેશનોમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભરૂચ, ભાવનગર, બીલીમોરા જંકશન, બોટાદ જંકશન, ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઈ જંકશન, દાહોદનો સમાવેશ થાય છે. તેમજ અન્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે.