ઉત્તરાયણ પર્વને લઇ ચાઇનીઝ સહિતની પતંગની દોરીઓના કારણે ગળા કપાવવાની ઘટના સામે આવી રહી છે. ઉત્તરાયણ પૂર્વે સુરત અને વડોદરામાં બે અલગ અલગ ઘટનાઓમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા બે વ્યકિતના મોત થયા છે. વડોદરામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતાં મોત થયું હતું. વડોદરામાં રહેતો ભૂતપૂર્વ રાષ્ટ્રીય હોકી ખેલાડી રાહુલ બાથમ (ઉંમર 30 વર્ષ) કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન પાસે પતંગના દોરામાં ફસાઈ જવાથી બાઇક સવાર રાહુલ બાથમને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘાયલ રાહુલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા તેનું ઘણું લોહી વહી ગયું હતું. અને થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યો હતો. તો આવી જ રીતે સુરતના કામરેજ વિસ્તારમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા બળવંત પટેલ નામના યુવકનું મૃત્યુ થયું હતું. તો અન્ય સ્થળોએ જુદી જુદી ઘટનાઓમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.