Published By : Parul Patel
- એબીવીપીના ત્રણ નરાધામોએ દલિત દીકરીને પિંખી નાખતા વિરોધ :
- એનએસયુઆઈ દ્વારા એબીવીપીના પૂતળાનું દહન : કાર્યકરોની અટકાયત
રાજસ્થાનના જોધપુરની જેએનવીયુ યુનિવર્સિટીના હોકી મેદાનમાં નાબાલીક દલિત દિકરી ઉપર એબીપીના ત્રણ વિદ્યાર્થી નેતાઓ દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ મામલે વડોદરા શહેર એનએસયુઆઈ દ્વારા એબીવીપીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગે પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
રાજસ્થાનના જોધપુરમાં થોડા દિવસ પહેલા જેએનવીયુ યુનિવર્સિટીના હોકી મેદાનમાં એક દલિત દીકરી ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ત્રણ વિદ્યાર્થી કાર્યકરો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈ રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના બાદ પોલીસે એબીવીપીના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું એનએસયુઆઈ ગ્રુપ આજે મેદાનમાં આવ્યું હતું. પોલિટેકનિક કોલેજના રોડ ઉપર આ ઘટનાને વખોડી એબીવીપીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા હતા. બેનરો પોસ્ટરો સાથે દેખાવો કરી એબીવીપીના પૂતળાનું દહન કર્યું હતું,સાથે જ એબીવીપીના ઝડપાયેલા બળાત્કારીઓને ફાંસીની સજા કરવામાં આવે અને આવા સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચી એનએસયુઆઈ વિદ્યાર્થી અગ્રણીઓની અટકાયત પણ કરી હતી. આ અંગે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે અમારી માંગ છે કે જે હિન્દુસ્તાનમાં આવા રાજકીય સંગઠન હોય એમને તાત્કાલિક ધોરણે બેન્ડ કરવા જોઈએ અને આ જે નાબાલીક દલિત યુવતી હતી. તેના પર બળાત્કારી એબીવીપીના ત્રણ કાર્યકર્તાઓએ કર્યો છે. એમને ફાંસીની સજા મળવી જોઈએ. આજે એનએસયુઆઈએ એબીવીપીનું પૂતળા દહન કરીને એબીવીપીનો વિરોધ કર્યો છે અને સરકાર જોડે ફાંસીની માંગ કરી છે.