રાજ્યના વધુ 12520 ગામોમાં આવેલી જમીન- મકાન સહિતની મિલકતોનો ડ્રોન મારફતે સર્વે અને માપણી કરીને તેના આધારે મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની મંજૂરી મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ તમામ ગામોમાં મહેસૂલી સર્વે દાખલ કરવા અને જમીનોના હક્કોની નોંધ કરવા અંગે વિભાગે ઠરાવ કર્યો છે.
ભારત સરકારની સૂચના બાદ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે ડ્રોન મારફતે મિલકતોનો સર્વે કરવાની સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. ડ્રોનથી મિલકતોની માપણી કરીને તેના આધારે મિલકતધારકોને રેકર્ડ ઓફ પ્રોપર્ટી રાઇટ્સ આપવામાં આવશે. આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થશે.
સ્વામિત્વ યોજનાના અમલીકરણના પ્રથમ તબક્કે ગત જાન્યુઆરી મહિનામાં દરેક જિલ્લાના હેડક્વાર્ટર તાલુકાના 2294 ગામોની પસંદગી કરવામાં આવી હતી અને તેમાં મહેસૂલી સર્વે દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.હવે વધુ 12520 ગામોને મંજૂરી મળતા તમામ 14814 ગામોમાં આ પ્રકારે ડ્રોનથી મિલકતોનો સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી કરાશે.