Published by : Anu Shukla
- ગૃહવિભાગ રાજ્યના 120 PIને DYSP રેન્કનું આપશે પ્રમોશન
- મેરિટ યાદી તૈયાર કરીને પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
ગુજરાત રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઈ રહી છે. ગુજરાત પોલીસ ખાતામાં રાજ્યની સરકાર આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં બદલી કરવાનો આદેશ આપશે. રાજ્યના પોલીસબેડામાં આ મામલે બહોળા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેક્ટરને DYSPના પ્રમોશન અપાશે. આ માટે 120 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની યાદી કરીને તેમની વિગતો મંગાવવામાં આવી રહી છે. આ યાદીમાં વિવિધ વિગતોને આધારે પ્રમોશન અંગે મેરિટ નક્કી કરવામાં આવશે.
ગુજરાતના 120 પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી તૈયાર
ગુજરાત રાજ્યના ગૃહવિભાગની સુચનાથી પોલીસના વહીવટી વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને DYSPના પ્રમોશન આપવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા અંતર્ગત 120 પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી તૈયાર કરીને જે તે જિલ્લા અને પોલીસ વિભાગના વડાઓને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ વિગતો આપવા માટે સુચના આપી છે.
એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરાશે
આ મેરીટ યાદી તૈયાર કરવામાં માટે PI તરીકેની પોસ્ટ મળ્યાની તારીખ, CCCની પરીક્ષા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, તેમની સામે ચાલતી ખાતાકીય કે કોર્ટની કાર્યવાહી, ભુતકાળમાં લેવામાં આવેલા કોઇ શિક્ષાત્મક પગલાની વિગતો એકત્ર કરવા માટે સુચના આપવામાં આવી છે. સાથે સાથે તમામ પંસંદગી થયેલા PIને સેલ્ફ ડીક્લેરેશન આપવાનું પણ કહેવામાં આવ્યું છે. આ તમામ પ્રક્રિયા 7 દિવસમાં પૂર્ણ થયા બાદ મેરિટ તૈયાર કરીને એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.