Published by : Rana Kajal
- અંકલેશ્વર એ ડિવિઝન અને LCB એ મહેસાણાના એક ભેજાબાજને પકડી પાડ્યો
- મદદ કરવાના બહાને કાર્ડ બદલી પિન મેળવી બીજા એટીએમ પરથી ₹3.63 લાખ ઉપાડી લીધા
અંકલેશ્વર એ ડિવિઝન અને ભરૂચ LCB એ ત્રણ મહિનામાં બાઇક પર ફરી મદદ કરવાના બહાને રાજ્યમાં 15 લોકોના એટીએમ કાર્ડ બદલી ₹3.63 લાખ સેરવી લેનાર બે ભેજાબાજોમાંથી એકને હસ્તગત કરી લીધો છે.
અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા. ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું. જે બાદ તેમના કાર્ડ વડે રૂપિયા 1.36 લાખ ઉઠાવી લીધા હતા.
બનાવ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પી.આઈ. આર.એચ.વાળા અને એલસીબી પી.આઈ. ઉત્સવ બારોટની ટીમોએ તપાસ હાથ ધરી હતી. નજીકના સીસીટીવી ચકાસી આરોપી મહેસાણાનો હોવાનું ખુલતા ત્યાંથી તેને ઝડપી લવાયો હતો.

ભરૂચ લાવી મહેસાણાના ભેજાબાજ શૈલેષ કનુ સલાટની કડક પૂછપરછ કરાતા તે તેના વોન્ટેડ સાથીદાર નાગજી પ્રભાત રબારી સાથે લોકોને ઠગવાનો ગુનો આચરતો હોવાનું કબુલ્યું હતું. સ્પ્લેન્ડર બાઇક ઉપર બંનેએ નીકળી 3 મહિનામાં ગાંધીનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને અંકલેશ્વરમાં 15 લોકોને એટીએમ ખાતે મદદ કરવાના નામે છેતરી ₹3.63 લાખ સેરવી લીધા હતા.
પકડાયેલા આરોપીએ 5 ગુનાની કબૂલાત કરી છે તો વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના અલગ અલગ જિલ્લામાં 8 ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા શૈલેષ પાસેથી બાઇક, 3 એટીએમ કાર્ડ, રોકડા 62 હજાર, મોબાઈલ મળી એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને ઠગ એટીએમ સેન્ટર પર પોહચી રૂપિયા ઉપાડી આપવાના બહાને કાર્ડ મેળવી તેના સ્થાને બીજો કાર્ડ આપી દેતા. અગાઉથી મેળવેલ પિનના આધારે બીજા એટીએમ પર જઈ નાણાં ઉપાડી લેતા હતા.