છેલ્લા કેટલાક સમયથી દેશમાં ‘રેવડી કલ્ચર’ એટલે કે મફતની સુવિધાઓનો મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે પણ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ મુદ્દા મામલે નિવિદેન આપ્યું છે.
ભાજપના ઈકોનોમિક સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારામણે મફતની સુવિધાઓ આપતા રાજ્યોને ઉદ્દેશીને જણાવ્યું કે, તેમણે પહેલા પોતાની નાણાકીય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ લોકોને મફતની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તથા તે પ્રમાણે બજેટની ફાળવણી કરવી જોઈએ. આ સાથે જ તેમણે મફતની સુવિધાઓ મુદ્દે જે ચર્ચા જાગી છે તેની પ્રશંસા કરી હતી.
સીતારામણે રાજ્યોને ઉદ્દેશીને કહ્યું કે, ‘તમે કોઈ પણ વચન આપી શકો છો. માની લો કે જ્યારે કોઈ રાજ્ય સરકાર કોઈ વચન આપે છે અને લોકોને કેટલીક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરે છે. તે વીજળી કે પછી કશું પણ હોઈ શકે છે. હું એમ નથી કહી રહી કે તમારે એવું ન કરવું જોઈએ પરંતુ પોતાની નાણાકીય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ આ પ્રકારની કામગીરી કરવી જોઈએ.’