Published By : Patel Shital
- 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં કે નથી પાડી એક પણ રજા…
ગુજરાત રાજયના એક ST ડ્રાઈવરનું દેશના રાષ્ટ્રપતિ સન્માન કરશે જેથી ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.
ગુજરાત સરકારના ST વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુંભાઈ મીર કે જે મૂળ વડનગરના વતની અને હાલ મહેસાણાના ખેરાલુ તાલુકામાં ST ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. તા 18મી એપ્રિલે દિલ્હીમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર થી અંબાજી અને હાલ ખેરાલુ ST ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી કોઈ અકસ્માતનો બનાવ નહીં તે તેમની આગવી વિશેષતા રહી.
ST ડ્રાઈવર તરીકેની 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો નથી. એટલું જ નહીં પીરુભાઈએ છેલ્લાં 27 વર્ષમાં ફરજ પર એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી. તે સહિતની બાબતો ધ્યાને લઈ આ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે એમ જાણવા મળેલ છે.