Published by : Rana Kajal
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે.અહિંસાને પોતાનો સૌથી મોટો હથિયાર બનાવી અંગ્રેજોને દેશથી બહારનો રસ્તો બતાવનારા મહાત્મા ગાંધી ખુદ હિંસાનો શિકાર થઈ ગયા હતા. તે દિવસે પણ તે દરરોજની જેમ સાંજે પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા પણ તેમના કિંમતી વિચારોનું મહત્ત્વ આજે પણ યથાવત્ છે. 30 જાન્યુઆરી 1948ની સાંજે જ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ગોળી મારી દીધી હતી. ત્યારે મહાત્મા ગાંધીનું નિધન થતા આ દિવસ ઈતિહાસમાં સૌથી દુઃખદ દિવસોમાં સામેલ થઈ ગયો હતો. આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર દેશના તમામ લોકો તેમને નમન કરી રહ્યા છે. જ્યારે ગોડસેએ તેમને નજીકથી ગોળી મારી ત્યારે જ સાબરમતીના સંત હે રામ કહીને દુનિયાથી વિદાય લઈ ગયા હતા. પોતાના જીવનકાળમાં વિચારો અને સિદ્ધાંતોને કારણે ચર્ચિત રહેલા મોહન દાસ કરમચંદ ગાંધીનું નામ દુનિયાભરમાં સન્માન સાથે લેવાય છે. દેશનો દરેક નાગરિક મહાત્મા ગાંધીના યોગદાનને ક્યારેય નહીં ભૂલે.