Published by : Vanshika Gor
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન 17 બેઠકો યોજાશે. આજે પીએમ મોદીએ કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બીજી બાજુ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષની વ્યૂહરચના તૈયાર કરવા માટે અન્ય વિપક્ષી પક્ષો સાથે વિચાર મંથન કર્યું હતું. એવામાં રાહુલ ગાંધી વાત પર લોકસભામાં હોબાળો થતા કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પરથી ભારતનું અપમાન કર્યું: રાજનાથ સિંહ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગૃહના વરિષ્ઠ નેતા છે. તેઓએ વિદેશી ધરતી પરથી ભારતનું અપમાન કર્યું છે. તેમણે સંસદમાં આવીને માફી માંગવી જોઈએ. તેમના નિવેદન બાદ વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે જમ્મુ-કાશ્મીરનું બજેટ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. જમ્મુ-કાશ્મીરના બજેટની નકલો સંસદમાં પહોંચાડવામાં આવી છે.