પાટણનું રિજીયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહી પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 1 મે 2022 થી 31 મી જુલાઈ 2022 સુધીમાં કુલ 1 લાખ 55 હજાર પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચુક્યા છે, જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યુ છે. ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે, કારણ કે, મુલાકાતીઓમાં 50 ટકા જેટલા બાળકો જ હોય છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે, જેની પાછળ અંદાજે કુલ 100 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થાં પણ છે તદઉપરાંત 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ડાયનાસોર્સ પ્રવાસીઓના આશ્ચર્યનું કેન્દ્ર
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓમાં મુખ્યત્વે પાટણ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, સુરત, અમદાવાદ, ગાંધીનગરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટરના પ્રવાસીઓ જ્યારે મુલાકાત લેવા આવે છે ત્યારે ત્યાં પ્રવેશદ્વારમાં જ મસમોટા ડાયનાસોર્સ પ્રવાસીઓના આશ્ચર્યનું કારણ બને છે. બાળકો તો આ ડાયનાસોર્સ જોઈને અત્યંત આનંદમાં આવી જાય છે. માત્ર 3 મહિનામાં મુલાકાતીઓની સંખ્યા આટલી વધી જવાથી સાયન્સ સેન્ટરના આયોજકો કહી રહ્યા છે કે, આવનાર સમયમાં સંખ્યા બમણી થતા વાર નહી લાગે.