ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે રીપિટર વિદ્યાર્થીઓ સાથે ૨થી૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ વધવાની શક્યતા છે.કારણકે માર્ચ ૨૦૨૧ની બોર્ડ પરીક્ષામાં કોરોનાને લીધે માસ પ્રમોશન અપાયા બાદ માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષામાં રીપિટરો ઘટયા હતા.
આગામી માર્ચ ૨૦૨૩ની ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ-સા.પ્ર.ની બોર્ડ પરીક્ષા માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ધો.૧૦માં ૮.૩૨ લાખથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૧.૨૦ લાખથી વધુ અને ધો.૧૨ સા.પ્ર.માં ૪.૩૦ લાખથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે. આ વર્ષે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ-સા.પ્ર.ના બેથીત્રણ લાખ વિદ્યાર્થી વધે તેમ છે.ગત વર્ષે ધો.૧૦માં રેગ્યુલર ૭.૮૦ લાખ વિદ્યાર્થી અને ૧.૪૦ લાખ રીપિટર સાથે ૯.૬૯ લાખ વિદ્યાર્થી હતા.કોરોના પહેલા માર્ચ ૨૦૨૦ની બોર્ડ પરીક્ષામાં ૧૦.૮૩ લાખથી વધુ વિદ્યાર્થી હતા.
આ ઉપરાંત ધો.૧૨ સાયન્સમાં ૧.૪૦ લાખ અને ધો.૧૨ સા.પ્ર.માં રીપિટર અને રેગ્યુલર સાથે ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.માર્ચ ૨૦૨૧ની બોર્ડ પરીક્ષા રદ થતા માસ પ્રમોશન અપાયુ હતું. જેથી નાપાસ થયેલા વિદ્યાર્થી ન હોવાથી રીપિટર ન હોવાને લીધે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થી ઘટયા હતા.હવે આ વર્ષે ગત વર્ષના નાપાસ અને તે પહેલા નાપાસ સહિતના રીપિટર વિદ્યાર્થીઓ તેમજ પ્રાઈવેટ વિદ્યાર્થીઓ સાથે ધો.૧૦માં ૧૦.૫૦ લાખથી વધુ વિદ્યાર્થી નોંધાવાની શક્યતા છે.જ્યારે ધો.૧૨ સાયન્સમાં પણ ૧.૪૦ લાખ આસપાસ વિદ્યાર્થી નોંધાય તેવી શક્યતા છે.ગત વર્ષે એક લાખ જેટલા વિદ્યાર્થીઓ ધો.૧૨ સાયન્સમાં હતા.