Published by : Rana Kajal
- 10 લાખથી વધુ લેઉવા પાટીદારોને મનાવવા મોદીનો ગેમ પ્લાન કે માસ્ટર સ્ટ્રોક સાબીત થઈ શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકરણની ચોપાલ પર રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે જેમાં 25 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી બીજેપીએ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. વર્ષ 2017ની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલી સર્જનારા પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપે આ વખતે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વિધાનસભાની ચૂંટણી વખતે લેઉવા પાટીદાર સમાજની આસ્થા પ્રતીક સમા ધામ એવા ખોડલધામ ખાતે PM નરેન્દ્ર મોદી આવે એવી શક્યતા જણાઈ રહી છે. નરેશ પટેલ સહિતના ખોડલધામના ટ્રસ્ટીઓ ખુદ દિલ્હી જઈને PMને આમંત્રણ આપી આવ્યા છે. મોદીની ખોડલધામની મુલાકાતથી સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી 22 બેઠકો અને ગુજરાતની 50 બેઠકો પર સીધી અસર થશે તે સ્વાભાવિક છે જેનો સીધો લાભ ભાજપને થશે એ નક્કી છે. આ 22 સીટ પર અંદાજે 10 લાખથી વધુ પાટીદાર મતદારો છે. જૉકે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી. પરંતુ આ વખતે ચિત્ર ઉલટાવી દેવા માટે મોદીએ સોગઠા ગોઠવી દીધા છે. અને રાજકીય રમત શરૂ કરી દીધી છે. હાલમાં જ કોંગ્રેસમાં જવું જવું કરતા નરેશ પટેલ ફરી પલટી મારી મોદીને મળ્યા હતા
ખોડલધામ ખાતે યોજાનારા આ કાર્યક્રમનું રાજકીય મહત્ત્વ ખૂબ જ વધારે છે. સૌથી મહત્ત્વની વાત છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા છે. ચૂંટણી પહેલા તેઓ રાજકારણમાં ભાજપ વિરુદ્ધ પક્ષમાં જોડાવા પણ ઇચ્છતા હતા, જોકે અંતિમ ઘડીએ તેમણે રાજકારણમાં પ્રવેશ ન કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે ભાજપની મહાસભા જો ખોડલધામમાં યોજાઈ રહી છે એટલે એક સ્પષ્ટ સંદેશો આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે નરેશ પટેલ નરેન્દ્ર મોદીની સાથે એક સ્ટેજ પર જોવા મળી શકે છે એટલે લેઉવા પાટીદાર સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કરવાનો તખ્તો ગોઠવાઈ રહયો છે આમ વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક દાયકાથી ગ્રામ્ય સ્તરે નારાજ લેઉવા પાટીદારોને મનાવવાનો એક મોટો પ્રયાસ થશે. આ આખો રાજકીય ખેલ 20 દિવસ પહેલા ભજવાયો હતો.

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ 11 ઓક્ટોબરે જામકંડોરણા જંગી રેલીનું આયોજન કર્યું હતુ. ગુજરાતના રાજકારણની નસેનસથી પરિચિત મોદીએ અહીં મોકો જોઈને ચોગ્ગો માર્યો હતો. સભામાં ખોડલધામના અમુક ટ્રસ્ટીઓની હાજરીમાં મોદીએ કાગવડ આવી માતાજીના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બિઝનેસમેન અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ તુરંત મોદીની ઈચ્છા પૂર્ણ કરવા તૈયારી બતાવી અને તેમને ખોડલધામ આવવાનું મૌખિક આમંત્રણ પણ આપી દીધું. એટલું જ નહીં, રમેશ ટીલાળાએ આ વાતની જાહેરાત કરી દીધી હતી, જેને લઈને અમુક ટ્રસ્ટીઓમાં ગણગણાટ પણ શરૂ થયો હતો.
PM મોદીને ખોડલધામ આવવાના આમંત્રણને પગલે અમુક ટ્રસ્ટીઓમાં નારાજગી બહાર આવી હતી. જોકે જામકંડોરણાની સભાના 10 દિવસ બાદ, એટલે કે 22 ઓક્ટોબર ખુદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં PM મોદીને મળીને વિધિવત્ ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું હતુ. નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ આશરે 40 થી 45 મિનિટ વડાપ્રધાનને મળ્યા હતા. આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે કોઈ રાજકીય મુલાકાત નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે આવો ત્યારે જરૂર ખોડલધામ મંદિરે દર્શન કરવા આવજો એવી વાત થઈ છે. ઔપચારિક વાત કરી હતી. જૉકે ખોડલધામ-અધ્યક્ષ નરેશ પટેલની મોદી સાથે તસવીરો બહાર આવતા લોકોને નવાઈ લાગી હતી. એવું તે અચાનક શું બન્યું કે નરેશ પટેલ છેક દિલ્હી જઈને મોદીને આમંત્રણ આપવા રાજી થયા. રાજકારણને અંદરથી જાણતા લોકોનું કહેવું છે કે આ મુલાકાત ભલે બિનરાજકીય હતી, પણ એમાં રાજકારણના અનેક ખેલ ખેલાયા હતા. નરેશ પટેલ સાથે જે ટ્રસ્ટીઓ ગયા હતા તેમાંથી અમુક ટ્રસ્ટીઓ ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક છે. નરેશ પટેલે પણ આડકતરી રીતે આ ટ્રસ્ટીઓનું લોબિંગ કર્યું હોય તો નવાઈ નહીં. એવી પણ ગણતરી હોઈ શકે કે અમુક ટ્રસ્ટીઓ ધારાસભ્યો બંને તો ભવિષ્યમાં પાટીદાર સમાજ માટે કંઈક કામ કરી શકે. એમ ચર્ચાઈ રહ્યું છે.