Published By:-Bhavika Sasiya
પતિ અને પત્ની વચ્ચે વિખવાદ થતા છેવટે પત્ની દ્વારા ભરણ પોષણ નો દાવો કરવામાં આવે તેવી બાબતો બની રહી છે ત્યારે હાલમા કોર્ટે ઍક મહત્વનો ચુકાદો આપેલ છે… વટવામાં રહેતી પત્નીએ પતિ પાસે 50 હજાર ભરણ પોષણ માગતી અરજી કરી હતી. તે અરજીની સુનાવણીમાં પતિ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 19 વર્ષની જ હતી. તેથી તે લગ્ન કાયદેસર કહેવાય નહીં તેથી લગ્ન ટકવાપાત્ર નથી. લગ્ન બાદ પતિ પત્ની તરીકે કોઇ સબંધ પણ ન હતો. આવી રજૂઆત બાદ મેટ્રો કોર્ટે છ વર્ષ પહેલાં પત્નીએ કરેલી ભરણ પોષણની અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે, લગ્ન બાદ એક છત નીચે ન રહેતા પત્ની ભરણ પોષણ માટે હક્કદાર નથી…
વટવામાં રહેતી રેશ્માએ મેટ્રો કોર્ટમાં પતિ મોઇન સહિતના સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ અરજી કરી ભરણ પોષણ માગી એવી રજૂઆત કરી હતી કે, રેશ્માએ 29 માર્ચ 2015 ના રોજ મોઇન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પછી સંયુક્ત કુટુંબમાં રહેવા ગઇ હતી. થોડા જ દિવસ બાદ સાસરિયાં હેરાન પરેશાન કરી કહેતા હતા કે, દહેજ લાવી નથી. ઘરમાંથી કાઢી મૂકો અને ઘરમાં રહેવું હોય તો દહેજ લાવવું જ પડશે. રેશ્મા કેસ કરશે તો તેના ઘરનાને ઉપાડી હત્યા કરીશું. પતિ મહિને 50 હજાર કમાય છે તેથી 25 હજાર ભરણ પોષણ માટે આદેશ કરવો જોઇએ.
મોઇન તરફે એડવોકેટ અયાઝ શેખે એવી રજૂઆત કરી હતી કે, પ્રેમ લગ્ન કર્યા નથી અને જો ભગાડી પ્રેમ લગ્ન કર્યા હોય તો રેશ્માના પરિવારે કોઇ જ કેસ કર્યો નથી. લગ્ન વખતે મોઇનની ખરેખર ઉંમર 19 વર્ષ હતી. તેથી આ લગ્ન કાયદેસરના ગણાય જ નહીં. લગ્ન બાદ પણ રેશ્મા એક પણ દિવસ સાસરીમાં રહેવા આવી નથી, જે ધમકી આપ્યાની વાત કરી છે તે ખોટી છે અને દહેજ પેટે એક પણ રૂપિયો માગ્યો નથી. રેશ્માએ મોઇનને ભોળવી લગ્ન કરવા બોલાવ્યો હતો અને તે સમયે રેશ્માના સગા ત્યાં હાજર હતા અને મોઇનને ફક્ત સહી કરવાનું કહેતા તેણે ઇનકાર કર્યો હતો. ત્યારે ધમકી આપી તેના અંગુઠાનું નિશાન લેવામાં આવ્યું છે, મોઇનના જન્મના દસ્તાવેજી પુરાવા જોતા તે 19 વર્ષનો હતો જ્યારે રેશ્મા તેના કરતા બે વર્ષ મોટી હતી. બન્ને એક છત નીચે રહ્યાં નથી તથા પતિ પત્નીનો કોઇ જ સબંધ પણ નથી. જેથી ભરણ પોષણ મેળવવા માટે રેશ્મા હક્કદાર જ નથી. (ઓળખ તમામ પાત્રના નામ બદલ્યા છે)
કોર્ટે અરજી ફગાવી દેતા એવું પણ અવલોકન કર્યું હતું કે, આ કેસમાં પત્ની દાદ સાબીત કરવામાં નિષ્ફળ નિવડી છે. ફક્ત હેરાન કરવા કેસ કર્યાનું ફલિત થાય છે. પ્રસ્તુત કેસમાં પતિ પત્ની વચ્ચે કોઇ ઘરેલું સબંધ નથી, તેઓ મજીયારા મકાનમાં રહ્યાં નથી, ઘરેલું હિંસા અધિનિયમની જોગવાઇ લક્ષમાં લેતા જ્યારે પતિ પત્ની વચ્ચે કોઇ કૌટુંબિક સબંધ જ બંધાયેલ ન હોય તો માત્ર નિકાહ થયાના કારણસર ભરણ પોષણ મેળવવા પત્ની હક્કદાર નથી.