Published by: Rana kajal
ભારતીય ટીનેજરે સૃષ્ટિ સુધીર જગતાપે સતત પાંચ દિવસ સુધી ડાન્સ કરીને નવો રેકૉર્ડ કર્યો છે.આ ટીનેજરે કુલ ૧૨૭ કલાક સુધી ડાન્સ કર્યો હતો. અગાઉનો ૧૨૬ કલાક ડાન્સનો રેકાર્ડ કે જે નેપાલની ડાન્સર બંદના નેપાલે ૨૦૧૮માં કર્યો હતો તેને તોડ્યો હતો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સ્વપ્નિલ ડાંગરીકરે કહ્યું કે ‘મહારાષ્ટ્રના લાતુરની સૃષ્ટિએ કૉલેજના ઑડિટોરિયમમાં આ મૅરથૉન ડાન્સ કર્યો હતો.
એવી કેટલીક ક્ષણ આવી હતી જેમાં તે થાકી ગઈ હતી અને ત્યારે તેના પેરન્ટ્સ તેના શરીર પર પાણીનો છંટકાવ કરતા હતા. સૃષ્ટિએ ખૂબ સરસ ડાન્સ કર્યો હતો.’ સૃષ્ટિ જગતાપે ૨૯ મેની શરૂઆતથી ડાન્સની શરૂઆત કરી હતી, જે ત્રીજી જૂને બપોર સુધી ચાલ્યો હતો. જોકે ત્યાર બાદ તે આખો દિવસ સૂતી રહી હતી.આ રેકૉર્ડ માટે કોઈ એક માન્ય ડાન્સ સ્ટાઇલ જરૂરી હતી અને સંગીત મુજબ પગ હંમેશાં થીરકવા જરૂરી હતા. સૃષ્ટિએ કથક ડાન્સ કર્યો હતો. તેણે આ રેકૉર્ડ માટે છેલ્લા ૧૫ મહિનાથી તૈયારી કરી હતી. તેના દાદા બબન માનેએ કથકની તાલીમ આપી હતી.તેમણે જ તેને યોગનિદ્રા પણ શીખવાડી હતી, જે ધ્યાનનું એક સ્વરૂપ છે. યોગનિદ્રા મગજના તરંગોને સક્રિય કરે છે, જે ગાઢ નિદ્રા દરમ્યાન શરીરને સારું રાખવા સાથે સંકળાયેલી છે. એને કારણે તેનું ઊંઘ પર નિયંત્રણ રહ્યું હતું.