Published By : Disha PJB
સુરત શહેરમાં ફરી એક વખત લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. એક શ્રમિકની મોબાઈલ લૂંટી તેની હત્યા કરવામાં આવી. હાલ આ મામલે સચીન પોલીસે આગળની તપાસ ધરી છે.
સુરતમાં રસ્તા પરથી મોબાઇલની લૂંટ ચલાવી અને મોબાઈલ સ્નેચિંગ કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. હવે તો મોબાઈલ જેવી સામાન્ય લૂંટમાં લુંટારૂઓ હત્યા કરવા સુધી ઘટનાને અંજામ આપી રહ્યા છે. સુરતની ઘટનામાં પણ મોબાઈલ લૂંટ કરવા આવેલા શખ્સો સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી હતી.
સુરતના સચિનમાં આવેલા સુડા સેક્ટર નજીક સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ સચિન હોજીવલા પાસેથી સુડા સેક્ટર ખાતેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન ત્યાં બાઇક પર ત્રણ શખ્સ આવ્યા હતા અને ત્રણ પૈકીના એક શખ્સે મોબાઈલની ચીલઝડપ કરવાની કોશિશ કરી હતી. જો કે, સનીએ પ્રતિકાર કરતા તેને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સની ત્યાં જ ઢળી પડ્યો હતો. લૂંટારૂઓએ સની પર છ જેટલા છરીના ઘા ઝીંક્યા હતા અને મોબાઈલ ઝૂંટવીને બાઈક પર આવેલા ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલા સનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને કરાતા સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લૂંટારૂઓ હુમલો કરતા હતા ત્યારે વોચમેન ગભરાય ગયા હતા અને ત્યારબાદ કારખાનામાંથી અન્યને બોલાવી લાકડી કે અન્ય સાધનો લઈને આવ્યા હતા, પરંતુ તે પહેલા લૂંટારૂઓ યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા. કારખાનામાંથી વોચમેન બહાર આવે તે પહેલા લૂંટારૂઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા.
ત્યારે હાલ તો સચિન પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે