Published By:-Bhavika Sasiya
- હાલના દિવસોમા ક્રિકેટ એક લોકપ્રિય રમત છે.
ક્રિકેટની બેટ એક વિશેષ પ્રકારનું રમતનું સાધન છે. જેનો ઉપયોગ ક્રિકેટ રમતી વખતે બેટ્સમેનો બોલને હિટ કરવા માટે કરે છે. ક્રિકેટ બેટ સામાન્ય રીતે વિલોના લાકડાથી બને છે. સૌથી પહેલા બેટનો ઉલ્લેખ 16મી સદીમાં થયો હતો. આજકાલ વાંસ જેવા લાકડામાંથી પણ ક્રિકેટના બેટ બને છે. ક્રિકેટ બેટનું વર્તમાન સ્વરુપ 1880માં ચાર્લ્સ રિચર્ડસને ડિઝાઈન કર્યું હતુ. માર્કેટમાંથી જ્યારે પણ ક્રિકેટ બેટ ખરીદવામાં આવે છે, ત્યારે આ બેટ સંપૂર્ણ રીતે તૈયાર નથી હોતા. ખરીદેલા ક્રિકેટ બેટને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તેના પર તેલ લગાડવુ અને નોક ઈન કરવું જરુરી છે. તેના માટે પહેલા કાચા અળસીનું તેલ અથવા નાળિયેરનું તેલ લગાડવામાં આવે છે. ત્યાર બાદ તેના પર જૂના બોલ અને હથોડાનો ઉપયોગ કરીને તેને મજબૂત બનાવવામાં આવે છે.તેનાથી બેટની અંદરના મુલાયમ તન્તુ ( ફાઈબર) કડક થઈ જાય છે, જેનાથી બેટની તૂટવાની સંભાવના નહીંવત થાય છે. બેટ પર 1-2 ચમચી જ તેલ લગાડવું જોઈએ. આ પ્રક્રિયા તમે 3 દિવસ સુધી કરી શકો છો. 24 કલાક માટે આ બેટને સૂકવવા મુકીને, કપડાથી તેના પરનું વધારાનું તેલ સાફ કરી દેવુ પડે છે.
ક્રિકેટના કાયદાનો કાયદા નંબર 6 , બેટના કદને વિશે જણાવે છે. બેટની લંબાઈ 38 ઈંચ (965 મીમી) થી વધુ ન હોવી જોઈએ અને તેના બ્લેડની પહોળાઈ 4.25 ઈંચ (108 મીમી) થી વધુ ન હોવી જોઈએ. બેટનું સામાન્ય વજન 1.1 થી 1.4 કિલો ની વચ્ચે હોવું જોઈએ, જો કે આ અંગે કોઈ નિર્ધારિત ધોરણો નથી. સામાન્ય રીતે હેન્ડલ પર રબર અથવા કાપડની સ્લીવ લગાવવામાં આવે છે, આ સ્લીવ તેને પકડવામાં સરળ બનાવે છે. બેટનો આગળનો ભાગ રક્ષણાત્મક કોટિંગ સાથે કોટેડ હોઈ શકે છે. હાથ વડે ક્રિકેટ બેટ બનાવવાની કળાને પોડશેવિંગ કહેવામાં આવે છે.