ભુપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યમંત્રી બન્યા બાદ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકે તે માટે CMO દ્વારા વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. રાજ્યનો કોઈપણ નાગરિક હવે પોતાની ફરિયાદ, રજૂઆત કે સૂચન ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂમાં કરવાને બદલે વોટ્સએપ પર કરી શકે તે માટેની સુવિધા મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે. ત્યારે એક દિવસમાં જ CMOના વોટ્સએપ નંબર પર 500થી વધુ ફરિયાદો આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કરેલા વોટ્સએપ નંબર ‘703093044’ પર આવેલી 500થી વધુ ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદો જિલ્લા સ્તરના અધિકાર ક્ષેત્રની હોવાનું CMOના જન સંપર્ક કાર્યાલયે જણાવ્યું છે. કાર્યાલયે આ ફરિયાદો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારપી, પોલીસ અધિક્ષક, શિક્ષણ અધિકારી અને આરોગ્ય અધિકારી મોકલતા જિલ્લા-તાલુકામાં દોડધામ મચી ગઈ છે. CMOના જનસંપર્ક કાર્યાલયે આ ફરિયાદોને સંબંધિત જિલ્લા, તાલુકા સ્વાગત ઓનલાઈન સિસ્ટમમાં ફોરવર્ડ કરીને સંબંધિત અધિકારીઓ પાસે ફરિયાદની સત્યતા, તપાસ અને ઉકેલનો અહેવાલ માંગ્યો છે.