Published by : Rana Kajal
લગ્નપ્રસંગમા ઘણી વાર ભડાકા કરાયા હોવાની ઘટનાઓ સાંભળી છે પરંતું કન્યાએ લગ્ન પ્રસંગમાં ભડાકા કર્યાં હોય તેવો બનાવ કદાચ પહેલી વાર બન્યો હતો… ઉત્તરપ્રદેશના હાથરસમાં એક લગ્નપ્રસંગમાં કન્યાએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. હાથરસમાં સ્ટેજ પર બેઠેલી દુલ્હને ખુબજ આનંદના આવેગમાં આવીને પિસ્તોલથી હવામાં ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વરરાજા પણ કન્યાની સાથે સ્ટેજ પર બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટેજ પર ઊભેલા એક યુવકે કન્યાને લોડેડ પિસ્તોલ આપી હતી.આ પછી કન્યાએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ વીડિયો હાથરસ જંક્શન વિસ્તારના સલેમપુર ગામમાં આવેલા એક ગેસ્ટ હાઉસનો જણાવવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ આ વીડિયો બાબતે તપાસ કરી રહી છે.
ગયા શુક્રવારે આ ગેસ્ટ હાઉસમાં લગ્નનો કાર્યક્રમ હતો. જાન આવ્યા બાદ જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ વરરાજા વરમાળા પહેરવા માટે સ્ટેજ પર પહોંચ્યો હતો. થોડીવાર પછી કન્યાને સ્ટેજ પર બોલાવવામાં આવી. બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી.શુક્રવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે વરમાળાની વિધિ પણ પૂર્ણ થઈ હતી. તે પછી સંબંધીઓ વર-કન્યાને આશીર્વાદ આપવા સ્ટેજ પર આવ્યા અને ફોટા પડાવી રહ્યા હતા. આ દરમિયાન, હાફ બ્લેક શર્ટ પહેરેલો એક યુવક સ્ટેજ પર આવ્યો અને કન્યાની નજીક ઊભો રહે છે આ યુવક તેની કમરમાંથી પિસ્તોલ કાઢીને કન્યાને આપે છે. કન્યાએ લોડેડ પિસ્તોલ તેના જમણા હાથથી પકડી અને વરની બાજુમાં બેઠાં બેઠાં જ તેણે હવામાં સતત 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. કન્યાને લગ્નનાં આનંદથી ફાયરિંગ કરતી જોઈને જાનૈયાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા….