- ઉત્તરપ્રદેશના અમરોહાનો વીડિયો વાયરલ…
ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાં હસનપુરમાં આદમપુર વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જાન આવી હતી. આ જાનમાં જમવાના સમયે મહેમાનોની સંખ્યા ધારવા કરતા વધારે થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ૨૧ સપ્ટેમ્બરે હસનપુરના એક મહોલ્લામાં અલગ-અલગ બે જાન આવી હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એક જાનમાં જમવાનુ શરૂ કરવામાં આવ્યું તો બંને જગ્યાએ જાનમાં આવેલા મહેમાનો એક જ જગ્યાએ જમવા પર તૂટી પડ્યા હતા. મહેમાનોની સંખ્યાને જોતા વધૂપક્ષના લોકો પરેશાન થઈ ગયા હતા અને જમવાનું ખૂટી પડશે એવી સ્થિતિ ન સર્જાઈ તે માટે જમવાનુ બંધ કરી દીધુ હતું.
બાદમાં વધૂ પક્ષએ નક્કી કર્યુ કે જે મહેમાનોની પાસે આધાર કાર્ડ હશે તે બતાવીને જ જમી શકશે. આધાર કાર્ડ બતાવીને જમાડવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. અમરોહામાં આધાર કાર્ડ બતાવીને જમવા માટે પ્રવેશ આપવાનો આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો વીડિયો જોયા બાદ જાત-ભાતની ચર્ચાઓ કરી રહ્યા છે. દરેક જણ આ વાતની મજાક કરતા હોય તેવું લાગતું હતું. તમામની પાસે આધાર કાર્ડ નહોતુ. તેથી લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં હોબાળાની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સમજદાર લોકોએ બંને પક્ષોના લોકોને સમજાવીને શાંત કરી દીધા. જો કે કેટલાક લોકો જમ્યા વગર જ વિલે મોઢે પરત ફર્યા હતા. જાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ગ્રામીણોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આવી કોઈ જાણકારી હોવાની ના પાડી દીધી છે.