- અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે ૨ ભેંસ અથડાઈ જતા અકસ્માત થયો હતો
- વંદે ભારત ટ્રેનના આગળના ભાગને નુકશાન પહોંચ્યું
મણિનગર-વટવા વચ્ચેના ટ્રેક પર વંદે ભારત ટ્રેન સાથે બે ભેંસ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અંગે ભેંસના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ની શરૂઆત એક અઠવાડિયા પહેલા કરવામાં આવી છે ત્યારે આજે બપોરે ૧૧ કલાકે અમદાવાદમાં મણિનગર-વટવા વચ્ચેના ટ્રેક પર ટ્રેનને નાનકડો અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ઉપર અચાનક 2 ભેંસો આવી જવાના પગલે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે મુસાફરોના જીવ ટાળવે ચોંટયા હતા. આ અકસ્માતમાં ટ્રેનને આગળના ભાગે નુકશાન પહોંચ્યું હતું. પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નોંધાઈ નહતી. ટ્રેન ૧૦ મિનિટ સુધી થંભાવી દેવામાં આવી હતી. બાદમાં રાબેતા મુજબ સેવા પુનઃ શરૂ કરવામાં આવી હતી.
જો કે આ મામલે રેલ્વે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રેલ્વે પીઆરઓએ જણાવ્યું હતું કે ટ્રેનને થોડું નુકશાન થયું હતું. પણ તેના સંચાલનને કોઈ અસર થઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેક્નિકથી વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવી હતી. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના અકસ્માતને અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.