Home Bharuch વડાપ્રધાનના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ પ્રોજેક્ટમાં સંપાદનમાં ઓછા વળતરને લઈ...

વડાપ્રધાનના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ પ્રોજેક્ટમાં સંપાદનમાં ઓછા વળતરને લઈ ભરૂચના ખેડૂતોની ફરી કલેકટર કચેરીમાં ગાજ

0
  • ભાજપના પ્રયાસો અને આર્બીટ્રેટર કલેકટર દ્વારા દિવાળી તેમજ ચૂંટણી પેહલા પુનગામના એકરે ₹1.67 કરોડના એવોર્ડનું NHAIએ સુરસુરીયું બોલાવ્યું
  • ભાડભુત બેરેજમાં ડાબા કાંઠાની જમીન સંપાદનમાં વળતર રિવાઇઝ કરવા રજુઆત
  • ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ અને સમન્વય સમિતિએ પરિવાર સાથે કલેકટરાલયમાં નાખ્યો પડાવ
  • NHAI એ ₹640 ના આર્બીટ્રેટરના એવોર્ડને ડિસ્ટ્રીકટ કોર્ટમાં પડકારતા ખેડૂતોની ખુશી છીનવાઈ

વડાપ્રધાનના બે મહત્વકાંક્ષી પ્રોજેકટ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ બુધવારે ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા.

વિધાનસભાની ચૂંટણી પેહલા દિવાળી ટાણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે અંકલેશ્વરના પુનગામનો પહેલો એવોર્ડ ₹640 આર્બીટ્રેટર કલેકટર તુષાર સુમેરાએ જારી કર્યો હતો. ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લા ભાજપે પણ આ એવોર્ડ જારી થતા ભરપેટ વાહવાહી લૂંટી હતી અને ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા હતા. એક્સપ્રેસ વે માં પ્રથમ પુનગામને એકરે ₹1.67 કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ જારી કરાતા, 34 ખેડૂતોને 40.90 એકરના ₹68.34 કરોડ રૂપિયા મળવાના હતા.

પુનગામના ખેડૂતોને 142 ની જગ્યાએ 640 પ્રતિ ચો.મી. નો એવોર્ડ અપાતા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતોની ખુશીનો પાર રહ્યો ન હતો. જોકે ચૂંટણી પૂર્ણ થતાં જ NHAI આ એવોર્ડ સામે કોર્ટમાં જતા ખેડૂતોની ખુશી ભયંકર નારાજગીમાં ફેરવાઈ ગઈ છે.

આજે બુધવારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ અને સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે ઉમટી પડી અન્ય જિલ્લાને અપાયેલા વળતર જેટલું જ ચૂકવવા પ્રબળ માંગ કરી હતી. સાથે જ આર્બીટ્રેટરે જારી કરેલ એવોર્ડ જ એક્સપ્રેસ વે માં લાગુ કરવા રજુઆત કરી હતી. જ્યારે ભાડભુત બેરેજમાં પણ ડાબા કાંઠાના અંકલેશ્વરના ગામોની સંપાદિત થનારી જમીનમાં રિવાઇઝ વળતર આપવા નહિ તો સંપાદન પડતું મુકવાનો પોકાર કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version