Published By : Patel Shital
- તિલકવાડા ટર્નિંગ ઉપર કન્ટેનર ચાલકનો કાબુ નહિ રહેતા ઘટી ઘટના
- ક્રેન બોલાવી ટેન્કરને સીધું કરાયું, ભારે ભાગદોડ વચ્ચે અફરાતફરી સર્જાઈ
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર તિલકવાડા ત્રણ રસ્તા ટર્નિગ ઉપર કન્ટેનર પલટી મારી જતા કેટલાય વાહનો કચડાયા અને લોકો ઘાયલ થવાની વિગતો સામે આવી છે.
વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર શનિવારે બપોરના સુમારે મસમોટું કન્ટેનર પલટી મારતા નાસભાગ અને અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા.

તિલકવાડા ત્રણ રસ્તા ટર્નિગ ઉપર કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ ઉપર કાબુ નહિ રહેતા પલટી મારી ગયું હતું. ત્રણ રસ્તા વળાંક ઉપર ખાણીપીણીની લારીઓ, અન્ય કાર, ટુ વ્હીલર સહિત ઉભેલા લોકો પણ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થવા સાથે ક્ષતિગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

અકસ્માતની જાણ થતાં નર્મદા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. સાથે 108 એમ્બ્યુલન્સ પણ ઇજાગ્રસ્તોની સારવાર માટે આવી પહોંચી હતી. પલટી મારેલા કન્ટેનરમાં ચાલક ફસાતા ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય બાઇક, મોપેડ, કાર અને કેબીનો તેમજ હાંટડીઓ સાથે ઉભેલા લોકો પણ ઘવાયા હતા.
પોલીસે ક્રેન બોલાવી પલટી મારેલા કન્ટેનરને સીધું કરી ડ્રાઈવર સહિત અન્ય ઘાયલોને સારવાર આપવાની તજવીજ હાથ ધરી હતી. ટર્નિગ પરથી અકસ્માતગ્રસ્ત કન્ટેનરને ખસેડી ટ્રાફિકજામ થયેલા માર્ગને ખુલ્લો કરાયો હતો.