વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રંગારંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩નો આજે સવારે વડોદરાના નવલખી મેદાન પર ઉત્સાહભેર અને ઉમંગભર્યા વાતવરણમાં પ્રારંભ થયો હતો.

વડોદરા ખાતેના પતંગ મહોત્સવના પ્રારંભ પૂર્વે દેશ-વિદેશના પતંગબાજોએ ગરબા અને ઝુમ્બા ડાન્સની જબરદસ્ત મજા માણી હતી. આજે સવારે પતંગ મહોત્સવનો આકાશમાં રંગબેરંગી બલુન્સ છોડી શુભારંભ કરવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં આશરે 19 દેશોના 42 પતંગ બાજો તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી અને સ્થાનિક વડોદરાના પતંગબાજો પણ સામેલ થયા છે. નવલખી મેદાન પર આ પતંગ મહોત્સવની નિહાળવા માટે વડોદરા વાસીઓ પણ ઉમટી પડ્યા હતા. જેમાં બાળકો પણ મોટી સંખ્યામાં હતા. અત્રે નોંધવુ રહ્યું કે છેલ્લાં બે વર્ષોથી કોરોના મહામારીના પગલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો ન હતો.વડોદરામાં છેલ્લે 2020માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થયો હતો તેમાં 16 દેશના 50 પતંગ બાજો એ ભાગ લીધો હતો