- વિરામ સમયે પણ ફૂડ સ્ટોલમાં પીવાના પાણીની બોટલો લેવા માટે પણ અવ્યવસ્થા…
- પથ્થર પથ્થરના નારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ..
દેશ સહિત વિદેશમાં ગરબા માટે વડોદરા જાણીતું છે. તેમાં પણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રખ્યાત છે. ગુજરાતના સૌથી મોટા ગરબાનું આયોજન વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા કરવામાં આવે છે. વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબાનું મેદાન આ વર્ષે ગોરવાના ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુના મેદાનથી બદલી અને શહેરના છેવાડે અટલાદરાના એમ.એમ.પટેલ ફાર્મમાં બદલવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગ્યા હતા. ખેલૈયાઓએ પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
યુનાઇટેડ વેના ગરબાના મેદાનમાં ખેલૈયાને જૂતાં-ચપ્પલ પહેરી એન્ટ્રી આપવામાં આવી નથી. આ કારણે ખેલૈયાઓ પગરખા પોતાના વાહનમાં જ મુકીને આવે છે. ગતરોજ એમ.એમ.પટેલ ફાર્મ પહોંચેલા ખેલૈયાઓએ ટ્રાફિકના પગલે એક કિલોમીટર દૂર વાહન પાર્ક કરી ખુલ્લા ખેતરોમાં ખુલ્લા પગે ચાલવાનો વારો આવ્યો હતો. આ બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ પણ ખેતરમાં મેદાન બનાવવામાં આવ્યું હોવાથી ખેલૈયાઓમાં પગમાં કાંકરા વાગ્યા હતા. જેથી ખેલૈયાઓએ મેદાનમાં પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા. ગરબામા વચ્ચે વિરામ સમયે પણ ફૂડ સ્ટોલમાં પીવાના પાણીની બોટલો લેવા માટે પણ ધક્કામૂકી સર્જાઇ હતી.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)