- રાજવીઓનો ઉડાનનો શોખ અને સાહસ પણ ખરો….. પ્રથમ વિમાનના ઉડાનના સમયે રાજવી હાજર રહ્યા હતા…
વડોદરાના રાજવીઓ ઉંચી ઉડાન ભરવા અંગે ખુબ મશહુર હતા. તેમના ઉડ્ડયન ક્ષેત્રનો ઇતિહાસ દર્શાવતું પ્રદર્શન તાજેતરમાં વડોદરા ખાતે યોજાયુ હતું. વડોદરાના રાજવીઓ ઉડાનનો કેવો શોખ ધરાવતા હતા તેનું ઍક ઉદાહરણ જોતા મહારાજા પ્રતાપસિંહ વડોદરાથી એરફોર્સનું વિમાન ઉડાવીને કરાંચી લઇ ગયા હતા, ત્યાં યુદ્ધ જહાજની તાલીમ આપી હતી અને ત્યારબાદ એરફોર્સના જવાનોએ બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો. 1951માં આ વિમાનને ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભેટ આપવામાં આવ્યું હતું. વડોદરા સ્ટેટના ઉડ્ડયન ક્ષેત્ર વિશેનો ઇતિહાસ દર્શાવતું પ્રદર્શન એમ.એસ.યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટી ખાતે યોજવામાં આવ્યું હતું . આર્ટ હિસ્ટ્રોરીયન ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે વડોદરા સ્ટેટ પાસે પોતાની આગવી એરફોર્સ હતી. જે 1932 માં બની હતી. 1942માં મહારાજા પ્રતાપસિંહએ સુપરમરીન સ્પિટફાયર નામનું ફાઇટર પ્લેન લીધું હતુંં.

જે રોયલ એરફોર્સ બરોડા સ્કોર્ડનના નામે સામેલ હતું. જે જર્મની સામે બીજા વિશ્વ યુધ્ધમાં લડયું હતું. વડોદરા એરોડ્રોમ ખાતે ઉભું રાખવામાં આવતું હતું. બાદમાં વર્તમાન ટેકનોલોજી ફેકલ્ટી જે કલાભવન નામથી શરૂ કરાઇ હતી ત્યાં 1951માં વિદ્યાર્થીઓને શીખવા માટે આપી દેવામાં આવ્યું હતું. દુનિયાનું સૌ-પ્રથમ પ્લેન શિવાકર બાપુજી તલપડે દ્વારા તૈયાર કરાયું હતું. મુંબઇના બીચ પર જયારે તેને ઉડાવવામાં આવ્યું હતું તે સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વધુ રીસર્ચ માટે ફંડ પણ આપ્યું હતું વર્ષ 1932માં વિમાન માટે ઇંધણ કેવી રીતે લઇ જવામાં આવતું હતું તેનો ફોટો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. તે સમયે ઇંધણ પૂરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં બળદગાડામાં ઇંધણ મૂકીને વિમાન સુધી લઇ જવામાં આવતું હતું.