- પથ્થરો વાગતા વિરામ બાદ હોબાળો…
- ગ્રાહક સુરક્ષામાં ખેલૈયાઓએ કરી ફરિયાદ
- યુનાઇટેડ વેમાં પુરુષોના પાસનો ભાવ છે રૂપિયા 5000
- કાલે ગ્રાઉન્ડમાં પથરા હશે તો હું જ ગરબા શરૂ નહીં કરું’ : અતુલ પુરોહિત
દેશ સહિત વિદેશમાં ગરબા માટે વડોદરા જાણીતું છે. તેમાં પણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રખ્યાત છે. ગુજરાતના સૌથી મોટા ગરબાનું આયોજન વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા કરવામાં આવે છે. વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબાનું મેદાન આ વર્ષે ગોરવાના ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુના મેદાનથી બદલી અને શહેરના છેવાડે અટલાદરાના એમ.એમ.પટેલ ફાર્મમાં બદલવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગ્યા હતા. તો બીજા નોરતે પણ ખેલૈયાઓને પગમાં પથ્થર વાગતા વિવાદ સર્જાયો હતો.
યુનાઇટેડ વેમાં પુરુષોના પાસનો ભાવ ૫૦૦૦ હોય તે બાદ પણ અવ્યવસ્થા સર્જાતા ખેલૈયાઓ રોષે ભરાઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. અને પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા. ૩૦ મિનિટ સુધી ગરબા બંધ રહ્યા હતા. લોકોએ રિફંડના નારા લગાવ્યા હતા. અડધો કલાક બાદ ફરી ગરબા શરૂ થયા કેટલાકે મેદાનની બહાર ગરબા કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
આ અંગે અતુલ પુરોહિતે જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું. આ અંગે માંજલપુર પોલીસ મથકના પી આઈ એ સ્ટેજ પર ચઢી ગઈ મામલો થાળે પાડ્યો હતો અને જણાવ્યું હતું કે કાયદાકીય કાર્યવાહી કરવી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરજો. આ અંગે ખેલૈયાઓએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)