- એ.ટી.એસ. અને એસ.ઓ.જી.નું સંયુક્ત ઓપરેશન
- સાવલી ખાતેથી ઝડપાયેલ ડ્રગ્સના મુખ્ય આરોપીને સાથે રાખીને પડયા દરોડા
- પાંચ વર્ષથી ગોડાઉન ભાડે રાખી જથ્થો રાખતો હતો
વડોદરાના સાવલી ખાતેથી ઝડપાયેલ ડ્રગ્સમાં વધુ એક ઈનપૂટ મળતા એ.ટી.એસ. દ્વારા એસ.ઑ.જી.ને સાથે રાખીને આજે વડોદરાના સાંકરદા ખાતે એક ગોડાઉનમાં દરોડાઓ પડયા હતા. જેમાંથી ડ્રગ્સ બનાવવા વપરાતા કાચા માલનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/vlcsnap-2022-08-22-14h54m02s493-1.png)
ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું છે. અને છેલ્લા થોડા જ સમયગાળામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. વડોદરાના સાવલી, તેમજ ભરુચ જિલ્લાના પાનોલી તેમજ વાગરા ખાતેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ ગુજરાત એ.ટી.એસ.ની ટીમને વધુ એક ઈનપુટ મળ્યું હતું જેના આધારે વડોદરા જિલ્લાના સાંકરદા ખાતે આજે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંકરદા ખાતે આવેલ એક ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી. સાવલીના મુખ્ય આરોપી પિયુષ પટેલને સાથે રાખીને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું જેમાં કાચા માલનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ સુધી એ.ટી.એસ. દ્વારા કેટલાનો જથ્થો ઝડપાયો છે અને કયું કેમિકલ ઝડપાયું છે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જાણવા મળ્યા મુજબ પિયુષ પટેલ દ્વારા આ ગોડાઉન પાંચ વર્ષ અગાઉ ભાડે રાખવામા આવ્યું હતું અને તેમાં કેમિકલની આડમાં ડ્રગ્સનું રો માટેરિયલ રાખવામા આવતું હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દરોડા બાદ તેનો રેલો પુનઃ એકવાર ભરુચ જીલ્લામાં આવે તેમ અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળી રહ્યું છે