Published by : Vanshika Gor
- મારી ટિકિટ કાપનારનો હું આગામી લોકસભાની ચૂંટણીમાં હું પ્રબળ વિરોધ કરીશ : મધુ શ્રીવાસ્તવ
- વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ લાંબા સમયે મધુ શ્રીવાસ્તવ લાઇમ લાઇટમાં આવ્યા
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે કારમા પરાજય બાદ તેઓ જાણે અદ્રશ્ય થઇ ગયા હતા.પરંતુ હવે તેઓ પુનઃ એક વાર ચર્ચામાં આવ્યા છે.તેઓએ વડોદરાના સાંસદ સામે હુંકાર ભર્યો છે. અને આગામી લોકસભામાં તેઓનો પ્રબળ વિરોધ કરીશ તેમ જણાવ્યું હતું
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ભાજપમાંથી ટિકિટ કપાતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેથી ભાજપે તેઓને સસ્પેન્ડ પણ કાર્ય હતા. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ મધુ શ્રીવાસ્તવ ચર્ચામાં ન હતા પરંતુ તેઓએ આપેલા એક નિવેદનના કારણે તેઓ પુનઃ ચર્ચામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારી ટિકિટ કાપનારનો આગામી લોકસભાની ચૂંટણીમાં હું પ્રબળ વિરોધ કરીશ. મને ટિકિટ મળવાની જ હતી અને પ્રદેશ કક્ષાએથી તે નક્કી પણ થયું હતું પરંતુ વડોદરાના સાંસદે મારો વિરોધ કર્યો હતો અને મારી ટિકિટ કાપવામાં આવી. જેથી આગામી લોકસભામાં હું તેમનો પણ પ્રબળ વિરોધ કરવાનો છું. તેઓએ જણાવ્યું હતું કે મારો વિરોધ ભાજપા સામે નથી પરંતુ સાંસદ સભ્ય સામે છે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે આગામી લોકસભામાં હું તો ચૂંટણી નથી લાડવાનો પરંતુ ચૂંટણી લડાવવાનો છું.
મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય હતા ત્યારથી પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. અને દબંગ નેતા તરીકેની છાપ પણ તેઓએ ઉભી કરી હતી ત્યારે તેઓ પુનઃ એક વાર તેઓ પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે ત્યારે તેઓના આ નિવેદનનો કેવો પડઘો પડે છે તે જોવું રહ્યું.