- કેમ્પસમાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ પર મનાઈ ફરમાવવામાં આવી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ અદા કરતી યુવતીનો વીડિયો સામે આવ્યા બાદ સાયન્સ ફેકલ્ટીએ એક નોટિસ જાહેર કરી છે જેમાં કેમ્પસમાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ પર મનાઈ ફરમાવવામાં આવી છે.
વડોદરા MS યુનિવર્સિટીમાં નમાઝ અદા કરવાના બે મહિનામાં ત્રણ વીડિયો સામે આવ્યા છે. ડિસેમ્બરમાં, એક યુગલ અને પછી એક યુવક કેમ્પસમાં નમાજ અદા કરી રહ્યા હતા અને વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યાં હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. આ પછી વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતી નમાઝ અદા કરી રહી છે. આ વિદ્યાર્થીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં નમાઝ અદા કરતી હતી. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ વીડિયો હાઈ પાવર કમિટીને મોકલવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવશે. દરમિયાન, સાયન્સ ફેકલ્ટીએ કેમ્પસમાં આવી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો છે અને જો કોઈ આવું કરશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. આ નોટિસ સાયન્સ ફેકલ્ટીના તમામ વિભાગોને મોકલવામાં આવી છે.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)