- વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ૬૦ વિદેશી રાજદૂતો સાથે વડોદરાના સુવિખ્યાત યુનાઈટેડ વે ખાતે નવરાત્રીની રંગત માણી
- માતાજી મંદિરના પ્રાંગણમાં રાજદ્વારીઓ પરંપરાગત કેડિયામાં ગરબે ઘૂમ્યા
- વિવિધ દેશોના ૬૦ થી વધુ રાજદ્વારીઓએ એકસાથે ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના
- વિદેશમંત્રીશ્રી અને વિદેશી રાજદ્વારીઓ સામે ખેલૈયાઓ મન મૂકીને હિલોળે ચઢ્યા
શક્તિ, ઉપાસના અને ઉત્સાહના પર્વ અને વિશ્વના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવની વડોદરા શહેરમાં ચાલી રહેલી ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના ૬૦ જેટલા રાજદ્વારીઓ અને વિદેશમંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર થનગનતા ખેલૈયાઓના પ્રચંડ ઉત્સાહ અને એકલયથી અભિભૂત થયા હતા. હિલોળે ચડેલા ખેલૈયાઓના થનગનાટને જોઈને પ્રભાવિત થયેલા રાજદ્વારીઓ ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબા રમવા લાગ્યા હતા. આ સાથે જ તેમણે જગ વિખ્યાત ગરબા મહોત્સવને કાયમી સંભારણું બનાવવા મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

વડોદરાની વિરાસતથી વાકેફ થયેલા વિદેશી રાજદ્વારીઓ યુનાઈટેડ વે ઓફ બરોડાની જટિલ ગરબા વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ઉત્સાહ, ઉમંગ, આરાધના અને ઉર્જાના પર્વ એવા નવરાત્રીમાં ખેલૈયાઓ સુપ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતના સૂરે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીશ્રીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ..સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદ્વારીઓએ અહોભાવ વ્યક્ત કર્યો હતો.

અહીંયા સૌપ્રથમ વિદેશમંત્રીશ્રી અને તેમના ધર્મપત્ની શ્રીમતી કયો યો જયશંકરે મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. અને ત્યારબાદ વિદેશમંત્રીશ્રી હાજર ખેલૈયાઓને મળ્યા હતા. કેમ છો ? કહીને તેમણે ખેલૈયાઓના સહજ ભાવે ખબર-અંતર પૂછયા હતા. આ દરમિયાન ખેલૈયાઓએ મંત્રી શ્રી સાથે સેલ્ફી લીધી હતી. છઠ્ઠા નોરતે શહેરના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ ખાતે રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદ્વારીઓના કુતૂહલ સહ આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દૃશ્યો સર્જ્યા હતા.
આમ તો વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રિમાં બને છે. જો કે એક સાથે વિવિધ દેશોના ૬૦ થી વધુ રાજદ્વારીઓએ ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની હતી. વિદેશી ડેલીગેશન સાથે કાયદામંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને શ્રીમતી મનિષાબેન વકીલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડિયા, સીમાબેન મોહિલે, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, કલેક્ટરશ્રી અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)