વડોદરાના ફેતગંજ વિસ્તારમાં SOGએ દરોડો પાડી ફ્લેટમાંથી 4.31 લાખનું ચિટ્ટા હેરોઇન જપ્ત કર્યું છે. તેમજ ફ્લેટમાં ડ્રગ્સ રાખતા સોનુ નામના શખ્સને ઝડપી લીધો છે.
ફતેગંજના સિદ્ધિ ટાવરમાં દરોડો
શહેરના ફતેગંજ વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ (SOG) દ્વારા બાતમીના આધારે ફતેંગજ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ સિદ્ધિ ટાવરમાં મકાન નંબર 602માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી અરીકસીંઘ ઉર્ફે સોનુ સરવનસિંઘ મલ્હી 862 ગ્રામ ચિટ્ટા હેરોઇન સાથે ઝડપાઇ ગયો હતો. જપ્ત થયેલ ચિટ્ટા હેરોઇનની કિંમત 4 લાખ 31 હજાર થાય છે. સોનુ મલ્હી પાસેથી બે મોબાઇલ અને 18 હજાર રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
સચદેવ પંજાબી વોન્ટેડ
SOGને તપાસમાં જાણવા મળ્યું છે કે સોનુ મલ્હી છાણી જકાતનાકા પાસે આવેલ ગુરુનાનક નગરનો રહેવાસી છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે. તેમજ ડ્રગ્સનો જથ્થો લાવી તેની પડીકીઓ બનાવી છૂટક ગ્રાહકોને વેચાણ કરે છે. સાથે જ સચદેવ ખાલસા (પંજાબી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
પોલીસે આ મામલે આરીકસીઘ ઉર્ફે સોનું મલ્હી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8 (સી),21 (બી), 29 મુજબ ગુનો દાખલ કરી કર્યો છે. SOG દ્વારા માદક પદાર્થ હેરોઇન તેમજ વેચાણના નેટવર્ક અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરામાં ગૃહરાજ્યમંત્રી સંઘવીએ ડ્રગ્સ અંગે વાત કરી હતી
તાજેતરમાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં નવા બેનલા પાણીગેટ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા. ત્યારે તેમણે પંજાબની જેલમાંથી કેવી રીતે ડ્રગ્સનું નેટવર્ક ચલાવવામાં આવે છે તેમજ સરહદ પારથી આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં ગુજરાત પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે વડોદરા પોલીસે શહેરમાં ડ્રગ્સ વેચતા એક શખ્સને ઝડપી લીધો છે.