વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ૭ લોકોના મોત નીપજ્યા હતા.
વડોદરા શહેરમાં આજે મંગળવાર અમંગલ બન્યો છે. શહેરના દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ૭ લોકોના છકડામાં દબાઈ જવાથી મોત થયા હતા. અન્ય ૩ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે લોકોએ ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનોને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનોને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા જતા 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે બાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી જઈ જાહેર પબ્લિક માટે રસ્તો ખુલ્લો કર્યો હતો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)