Published By : Parul Patel
- પાણીજન્ય રોગોને અટકાવવા માટે પાલિકા દ્વારા દસ દિવસ સુધી પ્રતિબંધ લગાવ્યો
વડોદરા શહેરમાં ચોમાસાને લઈ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, અને અનેક હોસ્પિટલોમાં પાણીજન્ય રોગોથી પીડાતા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં પાણીપુરીની લારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. આજરોજ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી તમામે તમામ પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યું છે જો કોઈ વિક્રેતા પાણીપુરી વેચતા દેખાશે તો તેની સામે કડક રાહે કાર્યવાહી કરવામાં આવશે.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. શહેરની અનેક હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. જેને લઇને મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કેટલી પાણીપુરીની લારીઓ પર અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરાયો છે. અને આગામી 10 દિવસ સુધીમાં શહેરની તમામ પાણીપુરીની લારીઓ ઉપર પ્રતિબંધ લાગ્યું છે. જો કોઈ વિક્રેતા પાણીપુરી વેચતો નજરે પડશે તો તેની સામે દંડની કાર્યવાહીની સાથે સાથે કડક રાહે કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.