- સમગ્ર રાજ્યમાંથી 450 થી વધુ યુવક-યુવતીઓએ સમાજના અપરણિતોના મેળાવડામાં ભાગ લીધો
- લોહાણા સેવા મંડળ કારેલીબાગ આયોજિત બીજી વખતના પરિચય મેળાને મળેલો અભૂતપૂર્વ આવકાર
- વાલીઓની ઉપસ્થિતિમાં યુવક-યુવતીઓએ એકબીજાને જોઈ, ઓળખી અને પારખવા માટે આયોજનને સાર્થક ગણાવ્યું
વડોદરા કારેલીબાગ સ્થિત લોહાણા સેવા મંડળ આયોજિત સમસ્ત લોહાણા સમાજના દીકરા દીકરી માટે અપરિણીતોનો મેળાવડો સગપણનો સેતુ નામે આયોજિત કરાયો હતો.શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ દ્વારા ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા સોના પાર્ટી પ્લોટ ખાતે રવિવારે અપરિણીતોનો સગપણનો સેતુ કાર્યકમ સાચા અર્થમાં સાર્થક બની રહ્યો હતો.

ગુજરાતભરમાંથી લોહાણા સમાજના 450 થી વધુ દીકરા દિકરીઓ આ પરિચય મેળામાં પોતાના માતા-પિતા સાથે સહભાગી બન્યા હતા. યુવક યુવતીઓએ સમાજ દ્વારા આયોજીત આ મેળાવડાને આવકારી તેની સરાહના કરી હતી. વાલીઓની હાજરીમાં એકમેકને જોવા, સમજવા, જાણવા અને પારખવા આ પરિચય મેળાવડો ખૂબ જ જરૂરી યુવક યુવતીઓએ ગણાવ્યો હતો.કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટયથી કરાયા બાદ મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના અપરણિત યુવક યુવતીઓએ મંચ ઉપર આવી પોતાનો પરિચય આપ્યો હતો. જે બાદ સમાજના અપરણિત દીકરા દીકરીઓની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

કારેલીબાગ લોહાણા સેવા મંડળના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, મનોજભાઈ ઠક્કર, ચેરમેન સુનિલભાઈ ઠક્કર, સંયોજક પીયૂષભાઈ ઠક્કર, સહ સંયોજક દત્તુભાઈ ઠક્કર અને મંત્રી રાજુભાઇ ઠક્કર સહિતના દ્વારા આ પરિચય મેળાવડાનું આયોજન કરાયું હતું. બે વર્ષ પેહલા પ્રથમ વખત આયોજિત આવા જ કાર્યકમમાં સમાજના 250 થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.