- NIAના ઇનપુટને પગલે સર્ચ હાથ ધરાયું
- આયેશા મસ્જિદમાં પણ કાર્યવાહી કરાઈ
વડોદરાના પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ઓલ ઇન્ડીયા ઇમામ કાઉન્સિલની બેઠક મદ્રસા એ હિફઝુલ ઇમામ સંસ્થામાં મળી હતી NIA એજન્સી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી તેના આધારે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. શહેરના બાવામાનપુરા વિસ્તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ મદ્રસા-એ-હિફઝુલ ઈમામ સંસ્થાની બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. તો મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા હતા. વિસ્તારમાં આવેલી આયેશા મસ્જિદમાં કાર્યવાહી ચાલું છે. આ અંગે મૌલવીની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આ સંસ્થામાંથી ૪ મૌલવીની ધરપકડ કરી છે.

ગત 28 સપ્ટેમ્બરે દરોડા અને ધરપકડ બાદ કેન્દ્ર સરકારે PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા)ની સાથે જોડાયેલા 8 સંગઠનો પર ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું.
ગૃહ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, પીએફઆઈ ઉપરાંત તેની આઠ સહયોગી સંસ્થાઓ – રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન (NCHRO), નેશનલ વિમેન્સ ફ્રન્ટ (NWF), જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ પર પણ પ્રતિબંધ મુકાયો છે.