Published By : Disha PJB
વડોદરામાં આજે વહેલી સવારથી બે કેમિકલ કંપની, ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 10 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગ દ્વારા વડોદરા શહેરના ગોત્રી હરીનગર પાણીની ટાંકી પાસે આવેલી કેમિકલ કંપનીની ઓફિસો, ગોરવા જી.આઇ.ડી.સી., પાનોલી જી.આઇ.ડી.સીમાં તેમજ નંદેશરી ખાતે આવેલા કેમિકલ ઉત્પાદન એકમો ઉપરાંત કંપનીઓના ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગે સામુહિક દરોડા પાડ્યા હતા.
એક સાથે 7 જેટલા સ્થળોએ દરોડાની સમાંતર કામગીરી આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા કરચોરી કરનાર ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરોડાની કામગીરી દરમિયાન ઓફિસના કર્મચારીઓને ઓફિસની બહાર રવાના કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઓફિસના મુખ્ય ગેટ પણ બંધ કરી દેવાયા હતા. પરિણામે ઓફિસ કેમ્પસની બહાર કે અંદર પ્રવેશ બંધ થઇ ગયો હતો.
આવક વેરા વિભાગે કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે તે સાથે આવકવેરા વિભાગની ટીમો દ્વારા કંપનીમાં થતું કેમિકલ ઉત્પાદન અને વેચાણ સહિતની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, આ બે કંપનીઓ પ્રકાશ અને કચ્છ કેમિકલ કંપનીઓ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો ઉપર હાથ ધરેલી દરોડાની કાર્યવાહીમાં પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટોની તપાસ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત ડાયરેક્ટરોના મકાનોમાં રોકડ અને ઝર-જવેરાતની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આવકવેરા વિભાગ દ્વારા સત્તાવાર કોઇ માહિતી આપવામાં આવી નથી.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.