Published By : Parul Patel
- ભાજપાના કાર્યકર સચિન ઠક્કરની અંતિમવિધિ સંપન્ન
- શહેરના રાજકીય આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા
- પરિવારજનોના આક્રદ સાથે ન્યાયની માંગ
ભાજપાના કાર્યકર સચિન ઠક્કરનું હીચકારા હુમલા બાદ નિધન થયું હતું. આજરોજ સચિન ઠક્કરની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

શહેરના ચકલી સર્કલ નજીક પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે માથાભારે ઈસમો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સચિન ઠક્કર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડી તેમજ બેઝબોલના સપાટાથી સચિન ઠક્કરને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે સચિન ઠક્કરનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું. આ મામલે પોલીસ દ્વારા તપાસ ધરી ત્રણ વ્યક્તિઓ પાર્થ પરીખ, સાહિલ ખાન અને પિન્ટુ લોહાણાની ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી આ ત્રણેય માથાભારે ઈસમોએ સચિન ઠક્કરને ચકલી સર્કલ પાસે પુનઃ મળતા માર્યો હતો. ત્યારબાદ મૃત્યુ થયું હતું.

આજરોજ સચિન ઠક્કરની અંતિમયાત્રા નીકળી હતી. સચિનના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. સચિન ઠક્કરની અંતિમ ક્રિયામાં મેયર નિલેશ રાઠોડ, શિક્ષણ સમિતિના ચેરમેન મિનેષ પંડ્યા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેના પરિવારજનોને સાંત્વના આપી હતી. તો બીજી તરફ સચિન ઠક્કરના પરિવારજનો દ્વારા ભીની આંખે તેઓને ન્યાય મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી.