- બિલાવલ ભુટ્ટો માફી માંગે એવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવાયુ
વડોદરા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના નિવેદન પર પૂતળા દહન કરી કલેકટરને આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો યુ.એન.એસ.સી.માં કહ્યું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર સખત વિરોધ વ્યક્ત કરતા ઠપકો આપ્યો હતો. તો ભારતીય જનતા પાર્ટીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કરેલ અપમાનજનક નિવેદન મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતુ. ભાજપના કાર્યકરો પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા સળગાવશે અને તેમના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે. જેના ભાગરૂપે આજરોજ વડોદરા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જિલ્લા કાર્યાલય વિરોધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના પૂતળા દહન કરવામાં આવ્યુ છે. પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી કરવામાં આવી હતી. તો પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો માફી માંગે એવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
(ઈનપુટ : જીતેંદ્ર રાજપૂત, વડોદરા)