- ઈ – સરકાર , પેપરલેસ વર્કના આહવાન સામે પહેલ
- પ્રસ્તાવ મુકાયા બાદ ટૂંક જ સમયમાં નિર્ણય લેવાશે
વડોદરા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરોને હવે ટેબ્લેટ આપવાની વિચારણા ચાલી રહી છે. ઈ – સરકાર ના આહવાન અને પેપર લેસ વર્ક તરફના પ્રયાસો માટે વડોદરા મહાનગરપાલિકા હવે પહેલ કરવા જઈ રહી છે. મહાનગરપાલિકાને લગતી બજેટ સહિતની તમામ માહિતી આ ટેબ્લેટ ઉપર પહોંચાડવામાં આવશે.
સરકાર હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે અને દરેકે ક્ષેત્રમાં પેપરલેસ વર્ક ઉપર પ્રાધાન્ય આપી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ઈ સરકાર અને પેપરલેસ વર્કના મોડલને અપનાવવાની શરૂઆત કરવામાં આવશે. અને જેની પહેલના ભાગરૂપે દરેક કોર્પોરેટરને ટેબ્લેટ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મનપાને લગતી તમામ બાબતો આ ટેબ્લેટ ઉપર મોકલવામાં આવશે. જેમાં બજેટ, મનપાના વિવિધ સર્ક્યુલર અને તમામ માહિતીનો સમાવેશ થાય છે. હાલમાં મનપા દ્વારા બજેટ પણ તૈયાર કરવામાં આવે તો તે કોર્પોરેટરના ઘરે મોકલવા માટે કર્મચારીઓને દોડાવવામાં આવે છે ઉપરાંત સ્ટેશનરીનો ખર્ચ પણ ખુબ થાય છે ત્યારે આ ટેબ્લેટની મદદથી તમામ વસ્તુઓ ટેબ્લેટ ઉપર જ મળી જશે જેથી આ ખર્ચ ઉપર અંકુશ મૂકી શકાશે. અને મનપા ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી શકશે.આ અંગે મનપાની સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તમામ કોર્પોરેટરને ટેબ્લેટ આપવાની પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે અને તે હાલમાં વિચારણા હેઠળ છે. તેના ઉપર ટૂંક જ સમયમાં નિર્ણય લઇ લેવામાં આવશે.અને પેપરલેસ અભિયાન તરફ આગળ વધવામાં આવશે.
ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા