Published By : Disha PJB
ચોમાસાની સાથે જ જળચર જીવો પણ દેખા દેતા હોય છે. મગર, સાપ જેવા જીવો ગામડાઓમાં કે શહેરના રહેણાંક વિસ્તારોમાં દેખા દેતા સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી જતો હોય છે. એવા માં ગતરોજ મોડી રાત્રીએ વડોદરાના સુખલીપુરા ગામમાંથી વાઈલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટ પર મગર દેખાવાનો કોલ આવતા ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી.
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અધિકારીના જણાવ્યા મુજબ, આજરોજ રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પાવર પર ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુખલીપુરા ગામમાંથી સરપંચનો ફોન આવ્યો હતો કે અમારા ગામની અંદર ભરવાડ વાસ આવેલો છે ત્યાં આગળ એક મોટો મગર રોડ પર આવી ગયેલ છે.
આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિનભાઈ પટેલ અને લાલજી નિઝામાને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા એક મોટો બાર ફૂટનો મહાકાય મગર ભરવાડના ઘર પાસે આવેલા રોડ પર જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો.
ઇનપુટ : દિગ્વિજય પાઠક , વડોદરા.