Published By : Patel Shital
- ચીનના વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી ચાલતું હતુ નેટવર્ક…
વડોદરા સાયબર ક્રાઇમે ચીનથી ઇન્સ્ટન્ટ લોક અને ઇન્વેન્સમેન્ટના ઓથા હેઠળ ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો સ્થાનિક કક્ષાએથી સંડોવણીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં અત્યાર સુધી 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામે ભેગા મળીને 10 શેલ કંપનીઓ (બોગસ કંપનીઓ) બનાવીને લોકોને છેતરવાનો ધંધો કર્યો હતો.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તાજેતરમાં જિતેન્દ્રકુમાર ચૌઘરીએ ફરિયાદ નોંધાવી હતી. કે તેઓએ અલગ અલગ Small Credit – Buddy Cash અને Lightning Rupee – Secure Loan ની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં લોન પેટે Small Credit – Buddy Cash એપ્લીકેશનમાંથી Gold, Money, Dual Cash, New Credit, Tara Rupee, Family Loan થી રૂ. 2.64 લાખ લીધા હતા. ત્યાર બાદ લોન રીકવર કરવા માટે ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ પર તેઓના એડિટ કરેલા ન્યુડ ફોટો મોકલી તેઓને પરેશાન કરવામાં આવતા હતા. ઓક્ટોબર 2022 થી જાન્યુઆરી 2023 સુધીમાં અલગ અલગ UPI ID થી લોનના વ્યાજ સાથે કુલ રૂ. 7.29 લાખ ભર્યા છતાં બ્લેક મેલ કરવાનું ચાલુ હતું. આ અંગે તેઓએ આપેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા સાંપડી છે. વડોદરા, સંખેડામાં નોંધાયેલી 10 બોગસ ફર્મ પણ પકડી પાડવામાં આવી છે. જે પૈકી મોટાભાગની વડોદરામાં રજીસ્ટર્ડ થઇ છે. અને આ કેસમાં 5 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ ઇન્ટરનેશનલ રેકેટ સાથે સંકળાયેલ છે. ચીની ભેજાબાજોના સંપર્કમાં રહી આ લોકો જરૂરિયાતમંદ લોકોને શિકાર બનાવી તેઓને લોન આપી બ્લેક મેઈલ કરવાનું કામ કરતા હતા. હાલ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં ઉમંગ ભૂપેન્દ્રભાઇ પટેલ, શોએબ મોહંમદ પટેલ, અહમદુલ્લાહ ઇબ્રાહીમ ચોક્સી, નિતીનભાઇ શિવરામભાઇ પટેલ અને અમિત અરવિંદ ગોયલ ની ધરપકડ કરવામાં આવી છે.