- અણધાર્યા વરસાદના કારણે સભાસ્થળે ભારે દોડધામ
આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે બપોરે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે આમોદ ખાતે યોજાનાર નરેન્દ્ર મોદીની સભાને લઈને વહીવટી તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે.

મેઘરાજા આજે બપોરે મન મૂકીને વરસ્યા હતા. અને થોડા જ કલાકોમાં ધમાકેદાર બેટિંગ કરી નાખી હતી. આગામી તા. 10 ઓક્ટોના રોજ આમોદ નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદી બલ્ક ડ્રગ પાર્કના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે હાલમાં તેઓના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અણધાર્યા વરસાદના કારણે વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે સભાસ્થળે કેટલાક સ્થળોએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તો કાર્યક્રમના દિવસે આવો વરસાદ પડે તો કેવા પગલાં ભરવા તે માટેના પણ આયોજનમાં વહીવટી તંત્ર લાગી ગયું છે.