Published by : Vanshika Gor
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, કેએલ રાહુલે ટીકાથી બચવા માટે સારું પ્રદર્શન કરવું પડશે. ગાંગુલીએ કહ્યું કે, જો તે ભારતમાં રન નહીં બનાવે તો તેને ટીકાનો સામનો કરવો પડશે. દાદાએ કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓએ સારા પ્રદર્શન સાથે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે અને જો તેઓ તેના અનુસાર પ્રદર્શન નહીં કરે તો દરેક ખેલાડીને ટીકાનો સામનો કરવો પડશે.વાઇસ-કેપ્ટન પદેથી પડતો મુકાયેલા રાહુલે તેની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 25 રનનો આંકડો પાર કર્યો નથી. 47 ટેસ્ટમાં 35 કરતા ઓછી સરેરાશ તેની સાચી ક્ષમતાથી ઘણી ઓછી છે.
રાહુલ પર દાદાનું નિવેદન
ગાંગુલીએ કહ્યું, “જ્યારે તમે ભારતમાં રન નહીં બનાવો, ત્યારે ચોક્કસપણે તમારી ટીકા થશે. કેએલ રાહુલ એકલો નથી. ભૂતકાળમાં પણ ઘણા ખેલાડીઓની ટીકા થઈ છે. ખેલાડીઓ પર ઘણું દબાણ છે અને દરેકનું ધ્યાન તેમના પ્રદર્શન પર છે. ટીમ મેનેજમેન્ટને લાગે છે કે, તે ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. દિવસના અંતે, કોચ અને કેપ્ટન શું વિચારે છે તે મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ટૂંકા ગાળા માટે નિષ્ફળ થશો, ત્યારે ચોક્કસપણે ટીકા થશે. મને ખાતરી છે કે રાહુલમાં ક્ષમતા છે અને મને ખાતરી છે કે જ્યારે તેને વધુ તકો મળશે, તો તે સ્કોર કરવાની રીત શોધી કાઢશે.”
રાહુલની ટેકનિક પર ચિંતન કરતાં તેમણે કહ્યું, “જો તમે આ પ્રકારની પિચો પર રમી રહ્યા હોવ, તો તે પણ મુશ્કેલ બની જાય છે કારણ કે બોલ ટર્ન અને બાઉન્સ થઈ રહ્યા છે. અસમાન ઉછાળ છે અને જ્યારે તમે ફોર્મમાં નથી હોતા ત્યારે તે વધુ મુશ્કેલ બની જાય છે.”
આ સ્ટીવ વોની ટીમ નથી
આ પ્રશ્નના જવાબમાં ગાંગુલીએ કહ્યું, “મને લાગે છે કે તે થશે. મને ખબર નથી કે ઓસ્ટ્રેલિયા તેને કેવી રીતે રોકી શકે છે. સમસ્યા એ છે કે, અમે આ ઓસ્ટ્રેલિયન ટીમની તુલના જૂની ઓસ્ટ્રેલિયન ટીમો સાથે કરી રહ્યા છીએ અને તે સમાન નથી. મેથ્યુ હેડન, જસ્ટિન લેંગર, રિકી પોન્ટિંગ, સ્ટીવ અને માર્ક વો, ગિલક્રિસ્ટ જેવા ખેલાડીઓની ક્ષમતા આ ખેલાડીઓમાં નથી. સ્ટીવ સ્મિથ એક મહાન ખેલાડી છે. વોર્નર આઉટ ઓફ ફોર્મ છે, લબુશેન સારો ખેલાડી છે પણ તેના માટે આ પરિસ્થિતિ અઘરી છે. આપણે ઓસ્ટ્રેલિયન ટીમો સાથે એક જ ભૂલ કરીએ છીએ તે એ છે કે, આપણને લાગે છે કે તે સ્ટીવ વોનું ઓસ્ટ્રેલિયા છે પરંતુ તે નથી. અલગ-અલગ ખેલાડીઓની અલગ-અલગ પરિસ્થિતિઓમાં પરીક્ષા થાય છે.”