Published by : Anu Shukla
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૩થી શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમ અપનાવવામાં આવી રહયો છે. જેમાં ધોરણ ૯માં ૬૭ વોકેશનલ વિષયો ભણાવવામાં આવશે જેથી આગળ આજીવિકા મેળવવા માટે સરળતા રહે. ..
વર્ષ ૨૦૨૩ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.૯ના વિદ્યાર્થીઓને આગામી ૨૦૨૩ના શૈક્ષણિક વર્ષથી વિવિધ ટ્રેડના જુદા જુદા ૬૭ વોકેશનલ વિષયો ભણાવાશે. હવે તમામ વિદ્યાર્થીને સ્કૂલથી જ સ્કિલ મળશે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હાલ ૨૦૨૩માં રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્તર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી આ નવા વિષયો દાખલ કરાશે અને વિદ્યાર્થીઓને ભણાવાશે જ્યારે ૨૦૨૪થી તમામ ખાનગી સ્કૂલોમાં પણ અમલ શરૃ કરાશે.
સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ડીઈઓને પરિપત્ર કરીને ૨૦૨૩થી તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯માં વોકેશનલ સ્કિલ સ્ટડીનો અમલ કરવા જણાવવામા આવ્યુ છે.સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૨૦૧૭માં સ્કૂલ લેવલે વોકેશનલ વિષયની શરૃઆત થઈ હતી તે સમયે માત્ર ૨૦ જ સ્કૂલોમાં ૪ ટ્રેડમાં ૭ વિષયો દાખલ કરાયા હતા. હાલ રાજ્યના ૭ જિલ્લાની ૯૩૪ સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.૯માં નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કની ગાઈડલાઈન મુજબ વોકેશનલ વિષય ભણાવાય છે. હાલ ૩૬ હજાર વિદ્યાર્થીઓ જ વોકેશનલ વિષયો ભણી રહ્યા છે.
પરંતુ હવે ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને મ્યુનિસિપિલ કોર્પોરેશન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯માં ૬૭ વોકેશનલ વિષયો ભણાવાશે. ૧૩થી વધુ ટ્રેડ-ફિલ્ડના ૬૭ વિષયોની યાદી તૈયાર કરવામા આવી છે. જેમાંથી જે સ્કૂલ જે વિષય પોતાની ભૌતિક સુવિધા અને વિદ્યાર્થી સંખ્યાને અનુરૃપ ભણાવવા માંગે તે બાબતની દરખાસ્ત ડીઈઓને ૧૮મી જાન્યુઆરી સુધીમાં કરવાની રહેશે. હાલ દરેક ડીઈઓ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ મા.ઉ.મા સ્કૂલો પાસેથી ધો.૯માં વોકેશનલ વિષયો શરૃ કરવા બાબતે દરખાસ્ત મંગાવાઈ છે. જે સ્કૂલમાં ૪૦ કે તેથી વધુ વિદ્યાર્થી ધો.૯માં હોય તેવી સ્કૂલોએ વિવિધ વોકેશનલ વિષય પસંદ કરીને દરખાસ્ત કરવાની રહેશે. દરેક ડીઈઓ કચેરીઓએ અરજીઓની ચકાસણી કરીને ૨૦મી જાન્યુઆરી સુધીમાં સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટરની કચેરીએ મોકલવાની રહેશે. ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષથી ખાનગી સ્કૂલોમાં પણ અમલ શરૃ કરાશે. આમ હવે ધો.૯ના વિદ્યાર્થીઓને સ્કૂલ લેવલથી જ ભણવા સાથે વિવિધ વિષયોની સ્કિલ મળશે. હજુ સુધી દરેક જિલ્લા સ્તરે અરજીઓનું વેરિફિકેશન કરવામા આવ્યુ નથી.